વર્ષ ૨૦૧૨માં ડિસેમ્બરમાં થયેલ સામૂહિક બળાત્કારના કેસ જેને “નિર્ભયા બળાત્કાર” કેસ તરીકે ઓળખવામાં આવે છે તે કેસથી દેશમાં એક શોકનું વાતાવરણ ઊભું થયેલ અને ત્યારબાદ કાયદામાં રહેલી ઊણપ પૂરી કરવા સરકારે ફોજદારી કાયદામાં સુધારા કર્યા અને મહિલા વિરુદ્ધ થતાં અમાનવીય તથા બર્બર હુમલાઓને રોકવા માટે વિશેષ કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી.
કલમ ૩૭૬ જે બળાત્કારના ગુના અંગેની છે તેમાં સુધારા કરવામાં આવ્યા, “કલમ ૩૭૬ નીચે બળાત્કાર, કસ્ટોડીયલ બળાત્કાર, ગર્ભવતી સ્ત્રી ઉપર બળાત્કાર, ૧૨ વર્ષથી ઓછી વયની છોકરી ઉપર બળાત્કાર, સામૂહિક બળાત્કાર અને પતિ દ્વારા બળાત્કાર” એ વ્યાખ્યાઓ આવરી લેવામાં આવી છે.
કસ્ટોડીયલ બળાત્કાર એટલે જાપ્તા દરમ્યાન થયેલ બળાત્કાર એના વિશે આપણે અગાઉ ચર્ચા કરી. ગર્ભવતી સ્ત્રીને સુરક્ષા મળી રહે તે માટે કાયદામાં ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે. તેણીને સુરક્ષા પ્રદાન કરવાના હેતુને અનુસરવા આ કલમ એટલે કે ૩૭૬ની પેટા કલમ-૨માં તે અંગે જોગવાઈ કરવામાં આવેલ છે.
આ કલમમાં મહિલાના લાભાર્થે કરવામાં આવેલી જોગવાઈ છે અને તેથી અહીંયા શંકાનો લાભ ગુનેગારને મળતો નથી તેમ છતાં આ પરિસ્થિતિમાં બે અધિકારો એક સાથે ઉપસ્થિત થાય છે. એક બળાત્કારી તરફી છે કે જેમાં તેને શંકાનો લાભ એ રીતે મળે છે કે તે એવું જણાવે કે, આ ગુનો કરતી વખતે તેને એ હકીક્તની જાણ ન હતી કે તેણી ગર્ભવતી છે. જ્યારે બીજી તરફ આવી સ્ત્રીને આ સમયગાળા દરમ્યાન વિશેષ સુરક્ષાનો અધિકાર છે.
આના સંબંધે માનનીય સર્વોચ્ચ અદાલતે ગુનો કરતી વખતે ગુનેગારને ખબર ન હતી કે તેણી સગર્ભા છે તેના આધાર ઉપર બળાત્કારીની સજા દસ વર્ષથી ઘટાડીને સાત વર્ષ કરી છે. કેસમાં અદાલતે એવું નોંધ્યું કે, જ્યારે બળાત્કારીને મહિલાની સગર્ભાવસ્થાની સ્થિતિની ખબર જ ન હતી તેથી આ પેટા કલમની જોગવાઈઓ અસ્તિત્વમાં આવતી નથી.
આ કાયદાની પેટા કલમ પ્રમાણે જો બાર વર્ષથી ઓછી વયની છોકરી ઉપર બળાત્કાર કરવામાં આવે ત્યારે ગુનેગારને ઓછામાં ઓછા દસ વર્ષની સખત કારાવાસની શિક્ષા જે આજીવન કારાવાસ સુધી લંબાવી શકાય અને દંડ થઈ શકે તેવી જોગવાઈ છે. આ શિક્ષા પાછળ એ હેતુ છે કે જયારે નાની બાળકી ઉપર બળાત્કાર કરવામાં આવે છે ત્યારે આ અત્યાચારને બાળ માનસ સમજી શક્તું નથી કે તેની સાથે કયો ગુનો થઈ રહ્યો છે અને તેથી આ હીન કક્ષાના અત્યાચાર માટે આ સજાની જોગવાઈ કરવામાં આવી છે.
આવા એક કેસમાં જયારે દોઢ વર્ષીય છોકરી પર બળાત્કાર થયેલ જેના પરિણામે તેનું મૃત્યુ થયેલ અને પુરાવાના આધારે એ સાબિત થઈ ગયું કે, આરોપીએ દોઢ વર્ષની નાનકડી છોકરી ઉપર બળાત્કાર કર્યો અને તેને કારણે તેણી મૃત્યુ પામેલ ત્યારે આરોપીને દેહાંત દંડની સજા કરેલ એટલે કે ફાંસીની સજા કરેલ.
કોર્ટે એવું પણ ચુકાદામાં લખેલ કે આરોપીઓ પોતાના ગંદા અને વિકૃતિથી ભરેલા માનસનું પ્રદર્શન કર્યું છે. આ અંગે અદાલતે આવા કેસો માટે માર્ગદર્શક રેખાઓ દોરી આપી અને આરોપીની સજાનું સ્થાન પરિવર્તીત કરતા દેહાંતદંડને બદલે આજીવન કારાવાસની સજા ફરમાવી.
આ કલમમાં સામૂહિક બળાત્કાર (ગેંગ રેપ) વિશે પણ જોગવાઈ કરી છે. આ ગુનો જ્યારે એકથી વધુ વ્યક્તિઓ સમૂહમાં સમાન ઈરાદાથી કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે ત્યારે તે દરેક વ્યક્તિએ સામૂહિક બળાત્કાર કર્યો છે એમ માનવામાં આવે છે. આ સ્પષ્ટીકરણમાં વ્યક્તિ શબ્દ વાપરવામાં આવ્યો છે.
ફોજદારી કાયદા (સુધારા) અધિનિયમ, ૨૦૧૩થી સામૂહિક બળાત્કારના ગુનાને અલગ કલમ ૩૭૬ (ડી)માં મૂકવામાં આવ્યો છે અને આ માટે શિક્ષાની જોગવાઈ પણ વધારીને ઓછામાં ઓછી વીસ વર્ષની કારાવાસ કે જેને આજીવન કારાવાસની શિક્ષા આપવામાં આવશે કે જેનો અર્થ આવી વ્યક્તિનું બાકી રહેલ કુદરતી જીવન સુધીની કારાવાસ રહેશે, અને આવો દંડ એ પીડિતાને તબીબી સહાય અને તેના પુનઃવસન માટે ઉચિત તથા વાજબી હોય, તેટલો હોવો જોઈએ.
એક જોગવાઈ આ કલમમાં એવી પણ છે કે, જ્યારે પત્નીની ઉંમર ૧૨ વર્ષથી ઓછી હોય અને પતિ જાતીય સંભોગ કરે ત્યારે તેવા કિસ્સામાં પતિને કોઈપણ કાયદાકીય રક્ષણ મળતું નથી અને આવા દરેક કેસમાં બળાત્કારના ગુનેગાર તરફ જે રીતે વર્તવવામાં આવે છે તેવી જ રીતે પતિ સાથે વર્તવવામાં આ કાયદા નીચે આવશે.
0 comments:
Post a Comment