Thursday, 19 March 2020

કસ્ટોડીયલ બળાત્કાર અને ૨૦૧૩માં આવેલ ફોજદારી કાયદામાં સુધારા

કસ્ટોડીયલ બળાત્કાર એટલે જાપ્તા દરમ્યાન બળાત્કાર થયેલ બળાત્કાર. મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનાઓમાં મહિલાઓની સ્થિતિમાં બહુ ફેર નથી પડયો, પરંતુ જો આ ગુનાઓને જોઈએ એટલે કે તેણી સામે આચરવામાં આવતા ગુનાના પ્રમાણ અને આચરવાની રીતોમાં વિવિધતા આવી છે. જાપ્તા હેઠળ ગુજારવામાં આવતો બળાત્કાર એ સખત શિક્ષાને પાત્ર ગુનો છે. બળાત્કારના કેસોમાં જયારે મહિલા જોડે અજાણી વ્યક્તિ હિન કૃત્ય કરવામાં આવે છે ત્યારે તેને શારીરિક પીડા આપનારું તો બને જ છે, પરંતુ જ્યારે તારી સુરક્ષા કરનાર મહિલા ઉપર બળાત્કાર કરે છે ત્યારે આ પીડા અનેકગણી વધી જાય છે. જાપ્તા દરમિયાન જાપ્તામાં રાખનાર વ્યક્તિ જો મહિલા સાથે બળાત્કાર કરે છે ત્યારે તે બે ગુના કરે છે એક તો તે પોતાની ફરજની ઉપેક્ષા કરે છે અને બીજુ તે બળાત્કારનો ગુનો કરે છે તેથી તેને બેવડી શિક્ષા મળવી જોઈએ.
ભારતીય દંડ સંહિતાની કલમ-૩૭૬માં જાપ્તામાં બળાત્કાર અંગેની વિવિધ શિક્ષાની જોગવાઈ થઈ છે. આ ગુનાને કલમ-૩૭૬(૨) પ્રમાણે જાપ્તા બળાત્કારમાં કાયદાની નજરમાં જેઓ રક્ષક છે તેઓને ચાર વિભાગમાં મૂકવામાં આવેલ છે. (૧) જો કોઈ વ્યક્તિ “પોલીસ અધિકારી” હોય અને (૧) જ્યાં તેની નિમણૂક થઈ હોય તે પોલીસ સ્ટેશનની હદમાં અથવા (૨) જ્યાં તેની નિમણૂક થઈ હોય તો પોલીસ સ્ટેશનમાં આવેલું હોય કે ન હોય તેવા ચોકીની મકાનની જગ્યામાં, અથવા (૩) પોતાના જાપ્તામાં અથવા પોતાના તાબાના કોઈ પોલીસ અધિકારીની કસ્ટડીમાં હોય તે કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે તો તેને આ ગુનામાં ધરપકડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ “જાહેર નોકર” હોઈ પોતાના અધિકૃત દરજ્જાનો લાભ લે અને આવા જાહેર નોકરે પોતાની કસ્ટડીમાં અથવા પોતાના હાથ નીચેના જાહેર નોકરની કસ્ટડીમાં હોય તેવી કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે તો તેણે આ ગુનો કર્યો કહેવાય. જો કોઈ વ્યક્તિ “જેલ, રિમાન્ડ (ઓબ્ઝર્વેશન) હોમ” ના સંચાલક અથવા કર્મચારી વર્ગના કોઈ સભ્યએ જે તે સમયમાં અમલી હોય તેવા કોઈ કાયદાથી અથવા તે હેઠળ સ્થપાયેલ કસ્ટડીના અન્ય કોઈ સ્થળના અથવા સ્ત્રીઓ કે બાળકોની સંસ્થાના સંચાલક અથવા કર્મચારી વર્ગનો કોઈ સભ્ય હોઈને, પોતાના અધિકૃત દરજજાનો લાભ ઉઠાવે અને એવી જેલ, રિમાન્ડ (ઓબ્ઝર્વેશન) હોમના સ્થળ અથવા સંસ્થામાં રહેતી કોઈપણ અંતેવાસી સ્ત્રી ઉપર બળાત્કાર કરે તો તેને ગુનો કર્યો કહેવાય. જો કોઈ વ્યક્તિ “હોસ્પિટલમાં કામ કરતાં કર્મચારી વર્ગનો સભ્ય” તે પોતાના અધિકૃત દરજજાનો લાભ ઉઠાવે અને તે હોસ્પિટલમાંની કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે તો તેને ગુનો કર્યો કહેવાય.
આમ કલમ ૩૭૬ (૨) પ્રમાણે જે કોઈ વ્યક્તિ કસ્ટોડીય બળાત્કાર એટલે કે જાપ્તા દરમ્યાન બળાત્કાર કરે તો તે વ્યક્તિને ઓછામાં ઓછી દસ વર્ષની સખત કારાવાસની શિક્ષા કે જે આજીવન કારાવાસ સુધી વિસ્તારી શકાશે અને દંડને પાત્ર રહેશે. આજીવન કારાવાસનો અર્થ એટલે કે આવી વ્યક્તિનું બાકી રહેલું કુદરતી જીવન સુધીનું રહેશે.
પોલીસ જાપ્તા (કસ્ટડી)માં થયેલ બળાત્કારના કેસોમાં કોર્ટોએ અનેક ચુકાદા આપેલા છે અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે પણ ઘણું કામ કરેલ છે. અનેક કેસોમાં કોર્ટોએ પીડિતાને વળતર ચૂકવવાના આદેશ કરેલા છે. ૧૯૯૫માં બનેલ એક કેસમાં તામિલનાડુ રાજ્યમાં પોલીસ સ્ટેશનની અંદર પોલીસ સિપાહી દ્વારા કરવામાં આવેલ જાપ્તા દરમ્યાન બળાત્કારના કેસમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એ પહેલાં દિવસથી જ કોર્ટના ધ્યાન ઉપર કેસ લાવેલ અને કોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક રૃા. ૧,૦૦,૦૦૦/- પીડિતાને ચૂકવવાનો આદેશ કરેલ. આમ જ્યારે કોઈ મહિલા કાયદાકીય અથવા નૈસર્ગિક રીતે હવાલામાં હોય તે જેના હવાલામાં હોય ત્યારે તેણીની સુરક્ષાની જવાબદારી જેના હવાલામાં હોય તેની હોય છે. જે વ્યક્તિની તેણીની સુરક્ષાની કાયદાકીય રીતે ફરજ બનતી હોય અને તેવી વ્યક્તિ જો બળાત્કારનો ગુનો કરે તો તેઓને “કસ્ટોડીયલ રેપ”ની વ્યાખ્યામાં સમાવિષ્ટ કરેલ છે.


0 comments:

Post a Comment