જ્યારે પણ આપણે બાળકની વાત કરીએ ત્યારે આપણે બાળકને આપણા સમાજનાં માળખાનાં એક મહત્ત્વપૂર્ણ ભાગરૂપે જોતાં હોઈએ છીએ. સમાજ નહીં પણ આપણે જ્યારે રાષ્ટ્રની અથવા વિશ્વની વાત કરીએ ત્યારે પણ બાળકને ભાવી પેઢીના ઘડવૈયા તરીકે જોતાં હોઈએ છીએ. એક બાજુ આપણે બાળકો માટે આવું ચિત્ર કલ્પીએ છીએ, તો બીજી બાજુ બાળકોને માટે આપણી એટલે કે સમાજની શું જવાબદારી છે તે ક્યાંક ભૂલી ગયાં છીએ. બાળકોને તેમના અધિકાર મળે તે માટે અનેક કાયદા હોવા છતાં અસંખ્ય બાળકોને બાળમજૂરી, ભૂખમરો અને ભીખ માગવામાંથી આપણે ઉગારી નથી શક્યાં. આ રહ્યું સમાજનું ચિત્ર પણ જ્યારે કુંટુંબની વાત કરીએ અને તેમાં જ્યારે લગ્નવિચ્છેદને કારણે પતિ-પત્ની કે મા-બાપ છૂટાં પડતાં હોય છે ત્યારે એ બાળકના અધિકાર વિશે કોઇ ખાસ કે વિશેષ ધ્યાન અપાતું હોય તેવું જણાતું નથી. બાળકનો ફક્ત કબજો માગતાં હોય છે અને કોર્ટ બાળકનો ઉછેર, કાળજી અને પાલનપોષણ કોણ સારી રીતે કરી શકે તે પક્ષકારને બાળક સોંપતી હોય છે.
પ્રશ્ન એ થાય છે કે, લગ્નવિચ્છેદની સીધી અસર બાળક પર પડે છે. પતિ-પત્ની તો છૂટા થવામાં, બાળકને ભણાવવા માટે પૈસાની વ્યવસ્થા કરવામાં, પોતાની આગળની જિંદગીના વિચારમાં બાળકને માનસિક અસર શું થતી હશે તે ઉપર બહુ ઓછાં લોકો ધ્યાન આપતાં હોય છે. બે દાખલા કહીશ અને વાચકોને વિનંતી કરીશ કે, તમે જ આ કેસોમાં વિચારીને ન્યાય કરો અને કહો કે અન્યાય કોને થયો? કાયદો બાળકને ભરપૂર રક્ષણ આપે છે, પાંચ વર્ષનું થાય ત્યાં સુધી માતા પાસે રહેવા દે છે તેનાં ભરણપોષણ અંગે પૂરતી વ્યવસ્થા થાય તેવી જોગવાઈ કાયદો કરે છે પરંતુ તેનાથી શું બાળક એ પરિસ્થિતિ સહજતાથી સ્વીકારી લે છે?
એક કેસમાં લગ્નવિચ્છેદ માટે પતિ-પત્ની બંને કોર્ટમાં જતાંની સાથે તૈયાર થઈ ગયાં અને કોર્ટ સમક્ષ પત્નીએ ફક્ત એટલું જ કહ્યું કે અમારાં બંને બાળકો નામદાર કોર્ટ જો મને આપે તો જ હું છૂટાછેડા માટે તૈયાર છું. પતિ પુષ્કળ પૈસાપાત્ર હતો, તેને બીજી સ્ત્રી જોડે લગ્ન કરવાની ઉતાવળ હતી અને કોઈ પણ ભોગે છૂટાછેડા જોઇતા હતા. પત્નીએ કોર્ટને કહ્યું કે મારે માટે આ જગતમાં મારાં બાળકોથી વિશેષ કંઈ છે નહીં અને તેથી મારાં બાળકો મને સોંપી દો. બાળકોને કોર્ટે ચેમ્બરમાં બોલાવીને પૂછયું તો સાત વર્ષનો દીકરો અને પાંચ વર્ષની દીકરી બંનેએ મા જોડે જવાની ઇચ્છા દર્શાવી. નામદાર કોર્ટે બાળકો માતાને સોંપ્યાં અને છૂટાછેડાના કાગળો ઉપર સહી થઈ ગઈ અને પતિ-પત્ની છૂટાં થઈ ગયાં.
બીજા એક કેસમાં વાત છૂટાછેડાની નહોતી, પરંતુ પતિ પત્નીને ખૂબ જ ત્રાસ આપતો હતો અને પાંચ મહિનાનાં બાળક સાથે પત્નીને તેણે કાઢી મૂકી હતી. પત્નીએ પતિ અને તેનાં મા-બાપ ઉપર ત્રાસ આપવાનો કેસ કર્યો અને સાથે-સાથે ભરણપોષણનો દાવો માંડયો. કેસ ચાર વર્ષ ચાલ્યો અને કોર્ટે પત્નીને અને દીકરાને ખાધાખોરાકી બાંધી આપી જ્યારે ખાધાખોરાકી આપવાનો વખત આવ્યો અને ત્રાસ આપવાનો કેસ ચાલવા પર આવ્યો ત્યારે પતિને પૈસા આપવામાં તકલીફ પડી અને કેસમાં સજા થાય એની બીક પણ લાગી. ત્રાસ અંગેનો કેસ બરાબર ચાલવા આવ્યો ત્યારે પતિએ કહ્યું કે, તે છૂટાછેડા આપવા માગે છે. પત્નીને જ્યારે નામદાર કોર્ટે પૂછયું ત્યારે પત્નીએ થોડા દિવસ પછી વિચાર કરીને જવાબ આપવાનું કહ્યું. વળતી મુદતે પત્નીએ કોર્ટમાં કહ્યું કે, છૂટાછેડા હું એક શરતે આપીશ કે, બાળકને પતિ લઈ જાય. કોર્ટ વિચારમાં પડી ગઈ, કારણ કે સામન્ય રીતે પત્ની કે મા બાળકને વિખૂટા ન થવા દે પણ અહીંયાં તો કંઇ જુદી જ પરિસ્થિતિ હતી. કોર્ટે પત્નીને ચેમ્બરમાં બોલાવીને પૂછયું કે તમે તમારા પાંચ વર્ષનાં બાળકને આટલી સહેલાઇથી તમારાથી છૂટો પાડી દો છો તે કેમ? પત્નીએ કહ્યું કે મારી પાસે આવકનું સાધન નથી, ઓછી ખાધાખોરાકીમાં હું એને ભણાવી નહીં શકું અને ખાસ તો બાળકનો અડધોઅડધ હક્ક તો મારા પતિનો છે ને? શા માટે એ બાળકને ના ઉછેરે? દરેક વખતે કોઈ સ્ત્રીએ જ બધું જતું કરવું પડે એવું ન હોયને સાહેબ? બંને પક્ષને સાંભળી કેસ બંધ કરાયો અને છ મહિના પછી બંને પતિ-પત્ની છૂટાં પડયાં અને પત્નીએ બાળકનો કાયમ માટેનો કબજો પતિને સોંપી દીધો.
બેઉ કેસમાં કાયદો હોવા છતાં પક્ષકારોએ તેમનો નિર્ણય પોતાને ધ્યાનમાં રાખીને જ લીધો. પહેલા કેસમાં પતિએ બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા માટે અને જલદી છૂટાછેડા મળી જાય તે માટે પત્નીની શરત સ્વીકારી અને એક ધડાકે બાળકો પત્નીને સોંપી દીધાં. બીજા કેસમાં પત્નીએ પોતાને સ્વકેન્દ્રમાં રાખી બાળક પતિને સોંપી દીધું અને કેસ પાછો ખેંચી લીધો. બેઉ કેસોમાં આપણે વિચારીએ કે બાળકોનો શું વાંક? મા-બાપનાં લગ્નવિચ્છેદને લીધે બાળકોએ મન મારીને એક જ વાલી જોડે રહેવું પડે છે જ્યારે તેમનું મન હંમેશાં એવું ઝંખતું હોય છે કે તેમનાં માતા-પિતા જોડે રહે અને તેઓ તેમનો બંનેનો પ્રેમ મેળવે. એક વિકસિત સમાજ તરીકે શું આપણે મતભેદો આપણાં બાળકો માટે બાજુમાં મૂકીને કાયદાની મદદ વગર આપણાં બાળકોને હૂંફવાળી જિંદગી આપી ન શકીએ ?
0 comments:
Post a Comment