Wednesday, 18 March 2020

ઘરેલુ હિંસા અને તેમાં થતી સજાઓ

ઘરેલુ હિંસાના કાયદા પ્રમાણે કોઈ મહિલા હિંસાખોર સાથે લોહીસંબંધ, લગ્નસંબંધ, લગ્ન જેવા સંબંધ ધરાવતી હોય અથવા સંયુક્ત કુટુંબમાં સભ્ય તરીકે સાથે રહેતી હોય તેવી બહેનો, વિધવાઓ, માતાઓ, અપરિણીત મહિલા આ કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે. આ કાયદો ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓના લાભાર્થે ઘડવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ પીડિત વ્યક્તિ મહિલા જ સંભવી શકે અને પુરુષ આનો લાભ મેળવવા આ કાયદા નીચે અસમર્થ છે. આ કાયદા નીચે મહિલા ઉપર ઘરના સભ્યો તથા ઘરેલુ સંબંધ ધરાવતી વ્યક્તિ દ્વારા થતી શારીરિક હિંસા, માનસિક હિંસા, શાબ્દિક તથા ભાવનાત્મક હિંસા અને આર્િથક હિંસાનો પણ સમાવેશ થાય છે.
આ કાયદાનુસાર અદાલત પીડિતાને 'રહેઠાણ હુકમ', 'ભરણપોષણનો હુકમ', 'બાળકની કસ્ટડીનો હુકમ', 'વળતરનો હુકમ' અને 'વચગાળાનો હુકમ' કરી શકે છે. ફરિયાદ દાખલ થયા બાદ બંને પક્ષની વાત સાંભળ્યા બાદ અદાલતને પ્રથમ દૃષ્ટિએ એવી ખાત્રી થાય કે ઘરેલુ હિંસા થઈ છે અથવા થવાની સંભાવના છે તો અદાલત મહિલાની તરફેણમાં 'રક્ષણ હુકમ' પસાર કરી મહિલાને તાત્કાલિક રાહત આપી શકે છે. તેવી જ રીતે બંને પક્ષને સાંભળ્યા પછી મહિલાને ઘરમાંથી બહાર કાઢતાં સામેવાળાને અટકાવી 'રહેઠાણનો હુકમ' આપી શકે છે. મહિલાને જ્યારે પણ હિંસા સહન કરવાની આવે છે ત્યારે તેને સાસરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવતી હોય છે, પરંતુ આ કાયદાનુસાર મહિલા જે ઘરમાં રહેતી હોય ત્યાં રહેવા માટેનો 'રક્ષણ હુકમ' આપી શકાય છે. બંને પક્ષની દલીલો સાંભળતી વખતે અદાલત મહિલા કે તેના બાળક માટે ઉચ્ચ રકમ અથવા માસિક ભરણપોષણ આપવા માટેનો 'ભરણપોષણનો હુકમ' પણ કરી શકે છે. અદાલત રક્ષણ હુકમ કરતી વખતે કે કેસની સુનાવણીના કોઈ પણ તબક્કે મહિલાને પોતાનાં બાળકોની હંગામી કસ્ટડી આપી 'બાળકની કસ્ટડીનો હુકમ' કરી શકે છે. તેમજ અદાલત ઘરેલુ હિંસાને કારણે થતો માનસિક ત્રાસ અને ભાવનાત્મક ત્રાસ સહિતની ઈજા માટે વળતર અને નુકસાનની ભરપાઈ કરવા માટે 'વળતરનો હુકમ' કરી શકે છે. આ કાયદા નીચે સૌથી અગત્યની વાત તો એ કે કાર્યવાહીના કોઈ પણ તબક્કે મેજિસ્ટ્રેટ વચગાળાનો હુકમ પણ કરી શકે છે.
રક્ષણ અધિકારીને જરૂરી લાગે તો પોલીસની મદદ લઈ અદાલતના હુકમનું અમલીકરણ કરાવી મહિલાને પોતાના ઘરમાં રહેવા, બાળકની કસ્ટડી અપાવવાનો, વળતર ચુકવણી નિશ્ચિત કરાવી શકે. રક્ષણ હુકમ અથવા વચગાળાના રક્ષણ હુકમનો ભંગ થાય તો મહિલા લેખિતમાં અદાલત સમક્ષ ફરિયાદ કરી કોઈ પણ સમયે રક્ષણ અધિકારીની મદદ માગી શકે છે. આ કાયદામાં રક્ષણ હુકમ અથવા વચગાળાના રક્ષણ હુકમનો ભંગ કરનારને સજા અને દંડની પણ જોગવાઈ છે.

0 comments:

Post a Comment