Monday, 15 February 2021

શિયાળુ પાકોમાં પુર્તિ ખાતર (supplementary fertigation in Rabi crops) Today News....


 


પૂર્તિ ખાતર (supplementary fertigation) એટલે પાક વાવ્યા બાદ પાકની વૃદ્ધિ દરમ્યાન આપવામાં આવતું ખાતર. જે આપવા માટે પાકનો જીવનકાળ, જમીનનો પ્રકાર, ખાતરનો પ્રકાર અને જમીનમાં ભેજની પરિસ્થિતિ ધ્યાને લેવી જરૂરી છે જેથી મહત્તમ પાક ઉત્પાદન અને અધિકતમ આર્થિક વળતર મેળવી શકાય.

શિયાળામાં વાવેતર થતા પિયત પાક જેવા કે ઘઉં, ચણા, રાયડો, કંદમૂળ પાકોમાં લસણ અને ડુંગળી, મસાલા પાકોમાં જીરૂ, ઈસબગુલ, ધાણા અને મેથીનું વાવેતર કરવામાં આવે છે. ચણાના પાકમાં મૂળ પર એકાદ મહિનામાં મૂળગાંડિકાઓ બંધાઈ હવામાંના નાઈટ્રોજનનું સ્થિરિકરણ કરી પાકને નાઈટ્રોજન પૂરો પાડે છે. ચણામાં સામાન્ય સંજોગોમાં ફક્ત પાયાના ખાતરો આપવાની ભલામણ કરવામાં આવેલ છે.

ઘઉં

ઘઉં શિયાળાનો અગત્યનો પાક છે. પિયત ઘઉંની વધુ ઉત્પાદન આપતી વિવિધ જાતો માટે હેકટરે ૧૨૦ કિલો નાઈટ્રોજન , ૬૦ કિલો ફોસ્ફરસ અને જમીનના રાસાયણિક પૃથક્કરણના આધારે જો પોટાશની ઉણપ જણાય તો ૪૦ કિલો પોટાશ આપવાની ભલામણ છે. આ તત્વોના જથ્થા પેકી બધો જ ફોસફરસ, પોટાશ અને તેમજ નાઈટ્રોજનનો અડધો જથ્થો એટલે (૬૦ કિલો) પાયાના ખાતર તરીકે વાવણી વખતે ચાસમાં અોરીને ઘઉંના બીજ કરતા ૩ થી ૪ સે.મી. ઊંડાઈએ આપવો. બાકી રહેતો ૬૦ કિલો નાઈટ્રોજન પૂર્તિ ખાતર રૂપે ઘઉંના વાવેતર બાદ ૧૮ થી ૨૧ દિવસે એટલે કે તંતુમૂળ અવસ્થાએ પિયત આપ્યા બાદ ભેજની વરાપ સ્થિતિએ આપવાની ભલામણ છે. આ પૂર્તિ ખાતર માટે ૧૩૦ કિલો યુરિયા અથવા ૩૦૦ કિલો એમોનિયમ સલફેટની જરૂરિયાત રહેશે. ઘઉંના પાકમાં નિઘલ અને ગાભ અવસ્થાએ યુરિયાનું ૩ ટકાના દ્રાવણનો છંટકાવ કરવાથી ઉત્પાદન અને ગુણવત્તામાં સુધારો થાય છે. આ ઉપરાંત જમીન ચકાસણીના આધારે જસત કે લોહ જેવા સૂક્ષ્મ તત્વોની ખામી જણાયેલ હોય અને પાયાના ખાતર તરીકે ન આપેલ હોય તો ખામીવાળુ તત્વ ભલામણ કરેલ માત્રામાં ફૂલ આવ્યા બાદ બે છટકાવ દ્વારા આપી શકાય છે.

રાયડો

રાયડાના પાક માટે હેકટરે ૫૦ કિલો નાઈટ્રોજનની ભલામણ કરવામાં આવે છે. આ જથ્થા પૈકી ૨૫ કિલો નાઈટ્રોજન પાયાના ખાતર તરીકે વાવણી વખતે ચાસમાં અોરીનને આપવો. બાકી રહેતો ૨૫ કિલ્લો નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે વાવણી બાદ ૩૦ દિવસે એટલે કે આાંતરગાંઠની વૃદ્ધિ અવસ્થાએ અાપવાની ભલામણ છે.

ડુંગળી

ડુંગળીના પાકને કુલ ૭૫ કિલો નાઈટ્રોજન પ્રતિ હેકટરે આપવાની ભલામણ કરવામાં આવેલ છે જે પેકી ૪૦ કિલો નાઈટ્રોજન રોપણી વખતે અને બાકી રહેતો ૩૫ કિલો નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે રોપણી બાદ ૪૦ દિવસે આપવો.

લસણ

લસણના પાકને હેકટરે પ૦ કિલો નાઈટ્રોજનની ભલામણ કરવામાં આવે છે. આમાંનો અડધો જથ્થો એટલે કે ૨૫ કિલો નાઈટ્રોજન પાયાના ખાતર તરીકે વાવણી વખતે આપી દેવો. જયારે બાકીનો ૨૫ કિલો નાઈટ્રોજન વાવણી બાદ ૩૦ દિવસે આપવાની ભલામણ છે.

જીરૂ અને ઈસબગુલ

જીરૂ અને ઇસબગુલના પાક માટે હેક્ટરે ૩૦ કિલો નાઈટ્રોજન આપવાની ભલામણ કરવામાં આવેલ છે. આ જથ્થા પેકી ૧૫ કિલો નાઈટ્રોજન પાયાના ખાતર તરીકે વાવણી વખતે જયારે બાકીનો ૧૫ કિલો નાઈટ્રોજન વાવણી બાદ ૩૦ દિવસે આપવો.

ધાણા અને મેથી

ધાણા અને મેથીના ભલામણ કરેલ હેક્ટર દીઠ ૪૦ કિલો નાઈટ્રોજનના જથ્થામાંથી ૨૦ કિલો નાઈટ્રોજન વાવણી વખતે પાયાના ખાતર તરીકે આપવો. જયારે બાકીનો ૨૦ કિલો નાઈટ્રોજન વાવણી બાદ ૪૦ થી ૪૫ દિવસે આપવો.

પૂર્તિ ખાતર માટે કર્યું ખાતર વાપરવું તે અગત્યની બાબત છે. બજારમાં નાઈટ્રોજન ધરાવતા જુદા જુદા રાસાયણિક ખાતરો લાભ્ય છે અને તેમાં નાઈટ્રોજનનું પ્રમાણ પણ અલગ અલગ હોય છે જેમ કે યુરિયામાં ૪૬ ટકા, એમોનિયમ સલ્ફન્ટમાં ૨૦.૬ ટકા, એમોનિયમ સલફેટ નાઈટ્રેટમાં ૨૬.૦ ટકા, કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ (કેન) ૨૬.૦ ટકા નાઈટ્રોજન હોય છે. આથી રાસાયણિક ખાતરમાં રહેલ તત્વોની દ્રષ્ટિએ જે ખાતર સસ્તુ હોય તે ખરીદવું અને વાપરવું. હાલમાં યુરિયા એ સસ્તામાં સસ્તુ અને સહેલાઈથી મળતું ખાતર છે. જો કે અન્ય ખાતરો મોંઘા હોવા છતાં અમુક ખાસ સંજોગોમાં વાપરવા હિતાવહ પણ હોય છે. પૂર્તિ ખાતરો આપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

(૧) પૂર્તિ ખાતરો પિયત આપ્યા બાદ વાસ્પા ભેજની સ્થિતિએ ચાસની બાજુમાં પ થી ૧૦ સે.મી. દૂર અને ઊંડાઈએ આપવાથી મહત્તમ ફાયદો થાય છે.

(૨) યુરિયા જમીન ઉપર આપવામાં આવે તો નાઈટ્રોજન તત્વ હવામાં ઉડી જાય છે.

(૩) નાઈટ્રોજનયુક્ત ખાતરની કાર્યક્ષમતા વધારવા નીમ કોટેડ યુરિયા વાપરવું. (૪) લીંબોળીના તેલનો પટ આપવાથી પણ યુરિયાની કાર્યક્ષમતા વધારી શકાય છે.

(પ) રેતાળ જમીનમાં નાઈટ્રેટયુક્ત ખાતરો આપવાથી વ્યય થાય છે.

(૬) પૂર્તિ ખાતરો નીંદામણ કર્યા બાદ જ આપવા.

આ રીતે, ખેડૂતભાઈઓ દ્વારા દરેક પાક માટે પૂર્તિ ખાતર બાબતે ભલામણ કરેલ જથ્થો યોગ્ય ખાતર દ્વારા યોગ્ય સમયે અને યોગ્ય પદ્ધતિથી આપવામાં આવે તથા આ લેખમં દર્શાવેલ બાબતો ધ્યાને લેવાય તો મહત્તમ ઉત્પાદન મળશે અને અધિકતમ આર્થિક ફાયદો મેળવી શકાશે.

0 comments:

Post a Comment