સ્ત્રીઓના લાંબા સંઘર્ષ અને કાયદો ઘડનારાઓ સાથે અનેક વખત ચર્ચા-વિચારણાઓ બાદ બળાત્કારના કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા, જે ફોજદારી કાયદા(સુધારા)અધિનિયમ,1983 તરીકે ઓળખાય છે.
સ્ત્રીઓ પરની જાતીય હિંસા સામેના ફોજદારી કાયદાઓમાં નારીઆંદોલનોના પ્રયત્નોને પરિણામે વખતોવખત સુધારાઓ કરવામાં આવ્યા છે. 80ના દાયકામાં મથુરા બળાત્કાર કેસ નામે જાણીતા બનેલા કેસના સંદર્ભમાં દેશભરમાં સ્ત્રીઓના આંદોલનો થયા. મથુરામાં સગીરવયની એક છોકરી પર પોલીસ સ્ટેશનમાં પોલીસોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. આ કેસ નીચલી કૉર્ટથી હાઇ કૉર્ટ, અને ત્યારબાદ સુપ્રીમ કૉર્ટમાં ગયો અને સુપ્રીમ કૉટેર્ જ્યારે મહારાષ્ટ્ર હાઇ કૉર્ટના ચુકાદાને ઉલટાવીને જણાવ્યંુ કે, બળાત્કાર થયો નથી, પરંતુ છોકરીએ સંબંધ બાંધવાની સહમતી આપી હશે, કારણ કે છોકરી અગાઉ પણ બીજા યુવક સાથે સંબંધ ધરાવતી હોઇ તે કુંવારી ન હતી. વળી, તેના શરીર પર ઇજાના નિશાન ન હોવાથી તેણે વિરોધ કર્યો હશે એમ કહી શકાય નહીં ત્યારે સુપ્રીમ કૉર્ટના આવા વલણથી દેશભરની સ્ત્રીઓનો આક્રોશ ફાટી નીકળ્યો. આ તો જાણે વાડ જ ચીભડા ગળે તેવું થયું !
ભારતની સર્વોચ્ચ અદાલતના આવા ચુકાદાથી આઘાત પામીને દિલ્હીની લૉ-કૉલેજના ત્રણ પ્રોફેસરોએ તેનો વિરોધ કરતો પત્ર સુપ્રીમ કૉર્ટને લખ્યો અને ત્યારબાદ દેશભરમાં અલગ-અલગ શહેરોમાં આ ચુકાદાનો વિરોધ કરી કેસ ફરીથી ચલાવા માટેની માગણી સાથે સ્ત્રીઓ રસ્તા પર ઉતરી આવી. તેમનો સવાલ હતો કે, પોલીસ ચૉકીમાં હથિયારધારી પોલીસો સામે વિરોધ કરવાની તાકાત, સગીર વયની છોકરી કઈ રીતે બતાવી શકે અને તેને પોતાની પસંદગીના યુવક સાથે સંબંધ હોય તેનો અર્થ એવો તો ન જ કરી શકાય કે તેણે પોલીસોને સહમતી આપી હશે.
સ્ત્રીઓના લાંબા સંઘર્ષ અને કાયદો ઘડનારાઓ સાથે અનેક વખત ચર્ચા-વિચારણાઓ બાદ બળાત્કારના કાયદામાં કેટલાક સધારા કરવામાં આવ્યા, જે ફોજદારી કાયદા(સુધારા)અધિનિયમ,1983 તરીકે ઓળખાય છે. આ સુધારા હેઠળ બળાત્કારને લગતા કાયદામાં નીચે મુજબના નવા મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા:
- કસ્ટોડિયલ બળાત્કારને વધુ ગંભીર પ્રકારનો ગુનો ગણવામાં આવ્યો. એનો અર્થ એ કે, પોલીસ સ્ટેશન, જેલ, રિમાન્ડ હોમ કે એવું કોઈ અન્ય સ્થળ કે જેમાં સ્ત્રી જેની કસ્ટડી (રક્ષણ) હેઠળ હોય તેવા અધિકારી દ્વારા કરવામાં આવતા બળાત્કારને વધુ ગંભીર ગુનો ગણવામાં આવ્યો. આ પ્રકારના કેસમાં જો સંબંધ થયો છે એવું કહેવામાં આવે અને સ્ત્રી કહે કે તેણે સહમતી આપી નથી તો સ્ત્રીએ સહમતી આપી છે એવું સાબિત કરવાની જવાબદારી આરોપીની રહેશે.
- ફોજદારી કાયદામાં કલમ-228(એ) ઉમેરવામાં આવી જે મુજબ પીડિત સ્ત્રીનું નામ કે ઓળખ જાહેર થાય તેવી કોઈ પણ માહિતી છાપવાને કે રજૂ કરવાને ગુનો ગણવામાં આવ્યો.
- કલમ-327(2) હેઠળ જણાવવામાં આવ્યું કે બળાત્કારની ન્યાયી પ્રક્રિયા કૉર્ટમાં બંધ બારણે (ઇન કેમેરા) ચલાવવામાં આવશે.
જો કે, આ સુધારામાં સ્ત્રી-સંગઠનોની કાયદા અંગેની ઘણી બધી માગણીઓ સ્વીકારવામાં ન આવી. પરિણામે, વખતોવખત સ્ત્રી-સંગઠનોએ બળાત્કાર અને અને તમામ પ્રકારની જાતીય હિંસાઓને લગતા કાયદાઓમાં સુધારો કરવાની રજૂઆતો કરી.
દિલ્હી બળાત્કાર કેસ
16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્લીમાં એક યુવતી પર થયેલા સામૂહિક બળાત્કાર બાદ ફરી એક વાર લોકોનો રોષ રસ્તા પર જોવા મળ્યો. પોલીસ અને સરકારનું વલણ, કાયદાની મર્યાદાઓ, કાનૂની પ્રક્રિયાની ખામીઓ વગેરે અંગે મોટા પાયે જાહેર ચર્ચાઓ શરૂ થઈ. સરકારને જસ્ટિસ જે.એસ.વર્માના પ્રમુખપદે બળાત્કારના કાયદામાં સુધારો કરવા એક કમિટી નિમવાની ફરજ પડી. વર્ષોથી આ મુદ્દા પર કામ કરતાં સ્ત્રી-સંગઠનોએ રાત-દિવસ એક કરી પોતાનાં સૂચનો મોકલી આપ્યાં. આ સમિતિએ 29 દિવસના ટૂંકાગાળામાં જ પોતાનો રિપોર્ટ સરકારને આપ્યો, જેના આધારે સરકારે ફોજદારી કાયદામાં સુધારા કરતો વટહુકમ બહાર પડ્યો અને ત્યારબાદ 2 એપ્રિલ 2013ના રોજ ફોજદારી કાયદા (સુધારા) અધિનિયમ-2013 પસાર કરવામાં આવ્યો. જો કે, આ વખતે પણ સ્ત્રી-સંગઠનોની તમામ માગણીઓ અને જસ્ટિસ વર્મા કમિટીની તમામ ભલામણોનું પ્રતિબિંબ આ કાયદામાં ન પડ્યું. તેમ છતાં, ઘણા મહત્ત્વના અને લાંબાગાળાની અસર પડે એવા સુધારા આ કાયદામાં કરવામાં આવ્યા, સાથે સાથે ફોજદારી કાર્યરીતિ સંહિતા (કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર)માં અને ભારતીય પુરાવા અધિનિયમ (ઇન્ડિયન ઍવિડેન્સ ઍક્ટ)માં પણ સુધારા કરવામાં આવ્યા.
કાયદામાં કરવામાં આવેલ કેટલાક મહત્ત્વના સુધારાઓ નીચે મુજબ છે:
જાતીય હિંસાના ગુનાઓની કલમ
જાતીય હિંસાના ગુનાઓની ફરિયાદ ન નોંધનાર પોલીસ કર્મચારીને કલમ 166-એ હેઠળ સજા: જો સ્ત્રી પરની જાતીય હિંસાને લગતા ગુનાઓ જેમ કે એસિડ ઍટેક (કલમ-326 (એ) અને (બી), જાતીય સતામણીને લગતા ગુનાઓ (કલમ-354 (એ) (બી)), વ્યક્તિના ખરીદ-વેચાણને લગતા ગુના (કલમ-370), બળાત્કારને લગતા ગુના (કલમ-376 (એ થી ઈ) અને છેડતી (કલમ-509) હેઠળ શિક્ષાપાત્ર હોય તેવા ગુનાની માહિતી નોંધવામાં નિષ્ફળ જાય તો તે પોલીસ કર્મચારી કલમ 166-એ હેઠળ 6 મહિના કરતાં ઓછી નહીં, પરંતુ 2 વર્ષ સુધી વધારી શકાય તેવી સખત જેલની સજા અને દંડને પાત્ર રહેશે.
હૉસ્પિટલ, પીડિત સ્ત્રીને સારવાર ન આપે
કોઈ પણ સરકારી કે ખાનગી હૉસ્પિટલના ઇન્ચાર્જ, પીડિત સ્ત્રીને સારવાર આપવાની ના પાડે તો તે ઇન્ચાર્જને કલમ-166(બી) હેઠળ 1 વર્ષની સજા અને દંડ થઈ શકે.
એસિડ ઍટેક
એસિડ ઍેટેક દ્વારા સ્ત્રીને નુકસાન પહોંચાડવા કે તેમ કરવાનો પ્રયત્ન કરવા માટે કલમ-126(એ) અને (બી)નો ઉમેરો કરવામાં આવ્યો.
જો સ્ત્રીને એસિડ દ્વારા ઇજા પહોંચે તો કલમ-126(એ) મુજબ 10 વર્ષ કરતાં ઓછી નહીં અને આજીવન કારાવાસ સુધી લંબાવી શકાય તેવી સજા અને દંડ કરવામાં આવશે. આ દંડની રકમ, પીડિત સ્ત્રીને તબીબી સારવાર માટેના ખર્ચને પહોંચી વળવા માટે ઉચિત અને વાજબી હોય તેટલો હશે.
જો એસિડ ફેંકવાથી સ્ત્રીને ઇજા ન પહોંચે તો પણ, ઇજા પહોંચાડવાના ઇરાદાથી ફેંકવાનો કે આપવાનો પ્રયાસ પણ કરે તો તેને પણ કલમ-126 (બી) મુજબ ઓછામાં ઓછી 5 વર્ષ, અને 7 વર્ષ સુધી લંબાવી શકાય તેવી સજા અને દંડ કરવામાં આવશે.
છેડતી અને જાતીય સતામણી
છેડતી અને જાતીય સતામણીને લગતી કલમ-354માં સુધારો કરી તેમાં 354 એ થી સી સુધી નવી કલમો ઉમેરવામાં આવી. આ ઉમેરો, જાતીય હિંસાના સ્ત્રીઓના વાસ્તવિક અનુભવોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે અને તે ખૂબ મહત્ત્વનો છે.
કલમ-354 (એ)માં જાતીય સતામણીની વ્યાખ્યા અને તેના ગુના દર્શાવવામાં આવ્યા છે. જે મુજબ પુરુષ નીચે દર્શાવેલાં કૃત્યોમાંનું કોઈ પણ કૃત્ય કરે તો તે જાતીય સતામણીના ગુના માટે દોષિત ઠરશે.
(1) સ્ત્રીને સ્વીકાર્ય ન હોય તેવા શારીરિક સંપર્ક અને સ્પષ્ટ બિન-આમંત્રિત જાતીય માગણી અથવા
(2) જાતીય સંબંધની માગણી કે વિનંતી કરવી.
(3) સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ નગ્ન-કામચેષ્ટા (અશ્લીલ ચિત્રો વગેરે) બતાવવી.
(4) જાતીય સંદર્ભવાળી કૉમેન્ટ કરવી.
ઉપર જણાવેલ કૃત્ય (1)(2)(3) માટે 3 વર્ષ સુધીની સજા અને દંડ, તેમ જ કૃત્ય (4) માટે 1 વર્ષની સજા અને દંડ થશે.
સ્ત્રીના કપડાં ઉતારી લેવાના હેતુસર હુમલો
354(બી)માં સ્ત્રીના કપડાં ઉતારી લેવાના હેતુસર હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઘણી વખત સ્ત્રી પર બળાત્કાર કરવામાં ન આવે પણ તેને કે તેના કુટુંબના સભ્યોને શરમજનક સ્થિતિમાં મૂકવા તેને જાહેરમાં નિર્વસ્ત્ર હાલતમાં મૂકવામાં આવે. તે વખતે આ કલમ લાગુ પડે.
354 (સી) - અંગત કૃત્યમાં રોકાયેલી સ્ત્રીને જુએ અથવા તેનો ફોટા પાડે, કપડાં બદલતી, સ્નાન કરતી કે એવી કોઈ પણ અંગત ક્રિયા કે જે, સ્ત્રી એકાંતમાં કરતી હોય તેવા સમયે તેને જોવી કે તેના ફોટા પાડવા વગેરેનો સમાવેશ આ કલમમાં કરવામાં આવ્યો છે.
પીછો કરવો
ઘણી વખત હેરાન કરનાર વ્યક્તિ સીધો શારીરિક સ્પર્શ કે હુમલો નથી કરતો, પણ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ પીછો કરીને તેને ભયભીત કરે છે. આ પ્રકારના વર્તન સામે આ કલમનો ઉપયોગ કરી શકાય છે.
બળાત્કારની પિતૃસત્તાક વ્યાખ્યામાં ફેરફાર
પ્રસ્તુત સુધારો ખૂબ મહત્ત્વનો છે. આ સુધારો આવતા પહેલાં કાયદા મુજબ સ્ત્રીના યોનિમાર્ગમાં પુરુષનું લિંગ પ્રવેશે તેને જ બળાત્કાર ગણવામાં આવતો હતો. પરંતુ, પુરુષના લિંગ સિવાય શરીરનો કોઈ પણ ભાગ, લાકડી વગેરેનો સ્ત્રીના યોનિમાર્ગ કે અન્ય કોઈ ભાગમાં પ્રવેશ કરાવવામાં આવે તો તેને બળાત્કાર ગણવામાં આવતો નહોતો. જો કે, સ્ત્રી માટે તો તે એટલું જ પીડાજનક અને કયારેક જીવલેણ સાબિત થતું. જેમ કે, દિલ્લી બળાત્કાર કેસમાં પીડિતા યુવતીનું મૃત્યુ કાયદા મુજબની વ્યાખ્યા પ્રમાણેના બળાત્કાર એટલે કે પુરુષનું લિંગ પ્રવેશવાથી નહિ, પરંતુ બળાત્કારીઓએ લોખંડનો સળિયો તેના યોનિમાર્ગમાં નાખ્યો તેથી થયું હતું.
બળાત્કારની આ વ્યાખ્યા સ્ત્રી વિરોધી પિતૃસત્તાક મૂલ્યો પર આધારિત હતી, કારણ કે બળાત્કારના ગુનાને સ્ત્રીના પોતાના શરીર પર પોતાના અધિકારના ભંગ તરીકે નહીં પરંતુ, સ્ત્રીની પવિત્રતા પરના હુમલા તરીકે જોવામાં આવતી હતી. સ્ત્રી-સંગઠનોએ આ અંગે સતત અને વારંવાર માગણી કરી કે, બળાત્કાર તે પવિત્રતા પરનો હુમલો નહીં પરંતુ, સ્ત્રીના શરીરની અખંડિતતા (બોડિલિઇન્ટિગ્રિટી) અને અધિકાર પરનો હુમલો છે. તેનો આ સુધારમાં પ્રથમવાર કલમ-375(એ)(બી)(સી)(ડી) દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.
કલમ-375 (એ) મુજબ, કોઈ પુરુષ, સ્ત્રીના યોનિમાર્ગમાં જ નહીં, પરંતુ મોઢામાં, મૂત્રમાર્ગમાં કે મળદ્વારમાં કોઈ પણ સીમા સુધી લિંગનો પ્રવેશ કરાવે અથવા બીજી વ્યક્તિ સાથે સ્ત્રીને આવું કરાવે તો તેને બળાત્કાર ગણવામાં આવે છે.
કલમ-375(બી) મુજબ, લિંગ સિવાય શરીરનો બીજો કોઈ ભાગ અથવા કોઈ પણ વસ્તુ (જેમ કે, લાકડી, સળિયો, પથ્થર વગેરે)નો પ્રવેશ સ્ત્રીના યોનિમાર્ગમાં, મૂત્રમાર્ગમાં કે મળદ્વારમાં કોઈ પણ સીમા સુધી કરે કે બીજા પાસે કરાવે તેનો સમાવેશ કરેલો છે.
કલમ-375(સી)માં, સ્ત્રીના શરીરના કોઈ પણ ભાગને પોતાના હાથ વડે યોનિમાર્ગમાં, મૂત્રમાર્ગમાં કે મળદ્વારમાં કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કરાવે તો તેનો સમાવેશ કરવામાં આવે છે.
કલમ-375(ડી)માં, મોઢા દ્વારા સ્ત્રીના શરીરના કોઈ પણ ભાગમાં પ્રવેશ કરે કે અન્ય કોઈ વ્યકિત દ્વારા કરાવે તેનો સમાવેશ કરવામાં આવે છે.
બળાત્કાર કયા સંજોગોમાં ગણાશે?
તેણીની ઈચ્છા વિરુદ્ધ, તેણીની સંમતિ વગર, તેણીને અથવા બીજી કોઈ વ્યક્તિ કે જેમાં તેણીની હિત ધરાવતી હોય તેને, મૃત્યુ અથવા વ્યથાના ભયમાં મૂકીને તેની સંમતિ મેળવવામાં આવી હોય ત્યારે તેની સંમતિથી.
જ્યારે તે પુરુષ એમ જાણતો હોય કે પોતે આવી સ્ત્રીનો પતિ નથી અને સ્ત્રી પોતે જેની સાથે કાયદેસર રીતે પરણી હોય અથવા પરણી હોવાનું માનતી હોય, એવો અન્ય પુરુષ છે એમ માનીને સ્ત્રીએ સંમતિ આપી હોય ત્યારે, તેણીની સંમતિથી.
મગજની અસ્થિરતા અથવા નશાને લીધે અથવા તે પુરુષ સ્વયં અથવા અન્ય વ્યક્તિ મારફતે, બેશુદ્ધ બનાવે તેવા અથવા બિન-આરોગ્યપ્રદ પદાર્થ આપવાને કારણે કોઈ અન્ય વ્યક્તિ જેના માટે તે સંમતિ આપે છે, તેના પ્રકાર અને પરિણામ સમજવાને સક્ષમ ન હોય, ત્યારે આવી અન્ય વ્યક્તિની સંમતિથી.
સંમતિથી અથવા સંમતિ વગર, જ્યારે તેણી અઢાર વર્ષ કરતાં ઓછી વયની હોય.
જ્યારે તે વાતચીતથી સંમતિ આપવા અસક્ષમ હોય. (દા.ત. બોલી કે સાંભળી શકતી ન હોય)
બળાત્કાર માટેની શિક્ષા
- બળાત્કારના સામાન્ય કેસમાં સખત કેદની સજા સાત વર્ષ કરતાં ઓછી નહીં, પણ જેને આજીવન કારાવાસ સુધી લંબાવી શકાશે, અને સાથે દંડને પાત્ર પણ રહેશે.
- 376 (2)માં વધુ ગંભીર પ્રકારના બળાત્કારના ગુનાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને નીચે જણાવેલ 1 થી 14 એન સંજોગોમાં જો બળાત્કાર કરવામાં આવે તો તેને સખત કારાવાસ કે જે 10 વર્ષ કરતાં ઓછો ન હોય, કે જેને આજીવન કારાવાસ સુધી વિસ્તારી શકાય તેટલી શિક્ષાને પાત્ર, આજીવન કારાવાસનો અર્થ વ્યક્તિનું બાકી રહેલું કુદરતી જીવન, અને તેની સાથે દંડને પાત્ર ઠરશે.
- જે કોઈ પોતે પોલીસ-અધિકારી હોવા છતાં, પોતાના પોલીસ સ્ટેશનની હદમાં, કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર કે પોતાની અથવા પોતાના હાથ નીચેના કર્મચારીની ક્સ્ટડીમાં રહેલી સ્ત્રી પર બળાત્કાર કરે.
- જે કોઈ જાહેર નોકર હોવા છતાં પોતાની અથવા પોતાના હાથ નીચેના કર્મચારીની કસ્ટડીમાં રહેલી સ્ત્રી પર બળાત્કાર કરે.
- સશત્ર દળોનો સભ્ય કે જેને કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જે વિસ્તારમાં ફરજ પર મૂકવામાં આવ્યો હોય ત્યાંની સ્ત્રી પર બળાત્કાર કરે.
- જે કોઈ વ્યક્તિ જેલ, રિમાન્ડ હોમ અથવા જે-તે સમયમાં અમલી હોય તેવા કોઈ કાયદાથી અથવા તે હેઠળ અપાયેલા જાપ્તાના અન્ય સ્થળ અથવા સ્ત્રીઓની કે બાળકો માટેની સંસ્થાના સંચાલક અથવા સંસ્થામાં કોઈ અંતેવાસી સ્ત્રી પર બળાત્કાર કરે.
- જે કોઈ, હૉસ્પિટલના સંચાલક અથવા કર્મચારી વર્ગનો હોય અને તે હૉેસ્પિટલમાં સ્ત્રી ઉપર બળાત્કાર કરે.
- સ્ત્રીનાં સગાં, વાલી કે શિક્ષક અથવા એવા કોઈ સ્થાન પર હોય કે જે, તે સ્ત્રીનો વિશ્વાસ કે તેના પર સત્તા ધરાવતા હોય તેની પર બળાત્કાર કરે.
- જે કોઈ, કોમી અથવા સાંપ્રદાયિક હિંસાના સમયે સ્ત્રી ઉપર બળાત્કાર કરે.
- જે કોઈ સ્ત્રી ગર્ભવતી છે તે જાણવા છતાં તેણી ઉપર બળાત્કાર કરે.
- જે કોઈ સ્ત્રી સોળ વર્ષ કરતાં નીચેની વયની હોવા છતાં બળાત્કાર કરે.
- જે કોઈ સંમતિ આપવા અસક્ષમ હોય તેવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે.
- જે કોઈ સ્ત્રી ઉપર નિયંત્રણ અથવા વર્ચસ્વની સ્થિતિ ધરાવતો હોય તે આવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે.
- જે કોઈ સ્ત્રીની માનસિક અથવા શારીરિક અસક્ષમતાનો લાભ લઈ આવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે.
- જે કોઈ બળાત્કાર કરતી વખતે ગંભીર શારીરિક ઇજા અથવા અંગ-વિચ્છેદ અથવા વિકૃત અથવા સ્ત્રીના જીવનને ભયમાં મૂકે અથવા
- જે કોઈ એકથી વધારે વાર અથવા વારંવાર સ્ત્રી ઉપર બળાત્કાર કરે.
પીડિતાનું મૃત્યુ થાય અથવા તે નિર્જીવ (કૉમા) હાલત
376(એ) જો બળાત્કારને કારણે પીડિતાનું મૃત્યુ થાય અથવા તે નિર્જીવ (કૉમા) હાલતમાં મુકાય તેની શિક્ષા જે કોઈએ, કલમ-376(1) અથવા પેટા-કલમ (2) અન્વયે શિક્ષા આપતો ગુનો કર્યો હોય અને એવા દુષ્કર્મ દરમ્યાન એવી ઇજા પહોંચાડે કે જેના પરિણામે સ્ત્રીનું મૃત્યુ થાય અથવા સ્ત્રીને નિર્જીવ હાલતમાં (કૉમામાં) લાવી મૂકે તેને 20 વર્ષથી ઓછી ન હોય તેટલી સખત કારાવાસની શિક્ષા કે જેને આજીવન કારાવાસ સુધી લંબાવી શકાશે, અહીં આજીવન કારાવાસનો અર્થ વ્યક્તિના બાકી રહેલા કુદરતી જીવન સુધીનો કારાવાસ, અથવા દેહાંત-દંડ.વિયોજન દરમ્યાન પતિ દ્વારા તેની પત્ની સાથે જાતિય સંભોગ
376(બી) વિયોજન દરમ્યાન પતિ દ્વારા તેની પત્ની સાથે જાતિય સંભોગ :જે કોઈ પુરુષ વિયોજનના હુકમનામા અન્વયે અથવા અન્યથા પોતાનાથી અલગ રહેતી હોય તેવી પોતાની પત્ની સાથે તેણીની સંમતિ વગર જાતીય સંભોગ કરે તેને કોઈ પણ પ્રકારના કારાવાસની શિક્ષા કે જે 2 વર્ષ કરતાં ઓછી ન હોય પણ જેને 7 વર્ષ સુધી વિસ્તારી શકાશે અને સાથે દંડને પાત્ર પણ રહેશે.
સત્તામાં હોય તેવી વ્યક્તિ દ્વારા જાતિય સંભોગ
376(સી) સત્તામાં હોય તેવી વ્યક્તિ દ્વારા જાતિય સંભોગ :
(એ) અધિકૃત અથવા વિશ્વાસ આધારિત સંબંધ ધરાવતી સ્થિતિમાં હોય અથવા
(બી) જાહેર નોકર હોય અથવા
(સી) જે કોઈ જેલ, રિમાન્ડ હોમ અથવા અન્ય જાપ્તા માટેના કોઈ સ્થળ કે, જે-તે સમયે અમલી હોય તેવા કોઈ પણ કાયદા અન્વયે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હોય, અથવા સ્ત્રીઓ અને બાળકોની સંસ્થાનો નિરીક્ષક અથવા સંચાલક હોય, અથવા
(ડી) હૉસ્પિટલના વ્યવસ્થાપક અથવા હૉસ્પિટલના કર્મચારીગણ હોય,
આવી સ્થિતિ (હોદ્દા) અથવા વિશ્વાસ આધારિત સંબંધ ધરાવતી વ્યક્તિ તેની સત્તાનો દુરુપયોગ કરીને જાપ્તામાં અથવા તેની સંભાળ/હવાલામાં અથવા પરિસરમાં હાજર રહેલી કોઈ પણ સ્ત્રીને લલચાવીને અથવા ફોસલાવીને તેણીની સાથે જાતીાય સંભોગ કરે તેને સખત કારાવાસની શિક્ષા કરી શકાશે, કે જે 5 વર્ષ કરતાં ઓછી ન હોય, જેને 10 વર્ષ સુધી લંબાવી શકાશે અને દંડને પાત્ર રહેશે.
સામૂહિક બળાત્કાર
376(ડી) સામૂહિક બળાત્કાર :જ્યારે એક અથવા એકથી વધુ વ્યક્તિઓ સમૂહમાં મળીને સ્ત્રીનો બળાત્કાર કરે અથવા તેઓના સામાન્ય ઈરાદાના સ્વરૂપમાં કરવામાં આવ્યું હોય તો ત્યાં આમાંની દરેક વ્યક્તિને બળાત્કારના ગુના માટે સમાન રીતે જવાબદાર ગણવામાં આવશે કે જેને તેના એકલા દ્વારા કરવામાં આવ્યું હોય અને તે સખત કારાવાસની શિક્ષા કે જે 20 વર્ષ કરતાં ઓછી ન હોય, પરંતુ જેને આજીવન કારાવાસ એટલે કે આવી વ્યક્તિનું બાકી રહેલા કુદરતી જીવન સુધીનો રહેશે,અને દંડ સાથેની શિક્ષાને પાત્ર રહેશે.
વારંવાર ગુનાઓ માટેની શિક્ષા
376(ઈ) વારંવાર ગુનાઓ માટેની શિક્ષા :જે કોઈ અગાઉની કલમ-376 અથવા 376(એ) અથવા કલમ-(ડી) અન્વયેના ગુનાઓ અન્વયે દોષિત સાબિત થયો હોય અને અનુગામી રીતે જણાવેલી કોઈ પણ કલમો અન્વયેના ગુના માટેની શિક્ષાનો દોષિત ઠર્યો હોય તે આજીવન કારાવાસ કે જેનો અર્થ આવી વ્યક્તિનું બાકી રહેલા કુદરતી જીવન સુધીની કારાવાસનો રહેશે અથવા દેહાંત-દંડ આપી શકાશે.
છેડતીના કાયદા
કલમ 509 - શબ્દો, ઇશારા વગેરે દ્વારા મર્યાદાભંગ :દંડસંહિતાની કલમ-509માં 'સાદો કારાવાસ કે જેને એક વર્ષ સુધી વિસ્તારી શકાય તેવી શિક્ષા અથવા દંડ અથવા બંને પાત્ર,' શબ્દોને સ્થાને 'સાદો કારાવાસ કે જેને 3 વર્ષ સુધી વિસ્તારી શકાય અને દંડને પાત્ર બનશે' એવો સુધારો કરવામાં આવ્યો છે.ફોજદારી કાર્યરીતિ સંહિતા (કોડ ઑફ ક્રિમિનલ પ્રોસીજર)માં સુધારાઓ
ફોજદારી કાર્યરીતિ સંહિતા (કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર)માં કરવામાં આવેલા સુધારાઓમાં કેટલાક મહત્ત્વના સુધારાઓ, ખાસ કરીને માનસિક કે શારીરિક રીતે અસક્ષમ કે વિકલાંગ વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. જેમાં, (કલમ 54એ) ધરપકડ કરેલી વ્યક્તિને ઓળખ પરેડ વખતે, તેનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરતી વખતે (કલમ 154, કલમ 161, કલમ 164) માનસિક કે શારીરિક રીતે અસક્ષમ કે વિકલાંગ વ્યક્તિઓ માટે તેમની ભાષા સમજી શકે તેવા ઇન્ટરપ્રિટર કે ખાસ સહાયક શિક્ષકની હાજરીમાં મેજિસ્ટ્રેટ દ્વારા લેવામાં આવે અને તેનું વિડિયો રૅકોર્ડિંગ પણ કરવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
એસિડ ઍટેક કે બળાત્કારની પીડિતાને તમામ પ્રકારની સરકારી કે ખાનગી હૉસ્પિટલમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર વિનામૂલ્યે આપવાની અને પોલીસને તે ગુના અંગે જાણ કરવાની જોગવાઈ 375-સી હેઠળ કરવામાં આવી છે.
આ સુધારા હેઠળ બળાત્કારને લગતા કાયદાના કેટલાક મહત્ત્વના સુધારાઓ અહીં 'સહિયર સ્ત્રી સંગઠન'નાં સુશ્રી તૃપ્તિ શાહ દ્વારા આપવામાં આવ્યા છે.
0 comments:
Post a Comment